આજનો યુવાન એ દેશ માટે નું અભિન્ન અંગ છે કે જેની કાર્યશીલતા પર દેશની પ્રગતિ કઈ દિશા તરફ વળશે તેનો એક અંદાજ આવે છે. ત્યારે આપણે આજે જોઈએ તો યુવાનોનું લક્ષ્ય કઈ વસ્તુઓ અથવા કયા ક્ષેત્રમાં છે. કારણ કે ભારત પાસે આજે જે યુવા શક્તિ છે તેટલી બીજા કોઈ દેશ પાસે નથી.
ભારતની વાત કરીએ તો અત્યારના સમયમાં મોટા ભાગે કોઈ નવી પ્રવૃત્તિ તરફ જવાનું વલણ ખૂબ જ ઓછું જ જોવા મળે છે. લાખો યુવાનોનું લક્ષ્ય આજે કોઈ પણ ફિલ્ડમાં જોખમ લેવાનું પસંદ કરતા નથી. આજનો યુવાન એ કોઈ ફિલ્ડ કે જ્યાં જોખમ નથી અને સારી રીતના પોતાની જીંદગી પસાર કરી શકે એવું કામ પસંદ કરે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો લાખો યુવાનો એવા છે કે જે કામ ધંધો છોડીને અથવા તો એના તરફ નિરાશા વ્યક્ત કરીને આજે ગવર્મેન્ટ નોકરી ઓ પાછળ ગાંડો થયો છે. અત્યારે ગમે તે યુવાન ને તમે જુઓ તો તમે પૂછશો કે ભાઈ તમે શું કામ કરો છો તો એક જ જવાબ આવશે કે હું તો અત્યારે વર્ગ-૩ એટલે કે તલાટી , બિન સચિવાલય વગેરે નોકરીઓ ની તૈયારી કરું છું. થોડુંક તે યુવાનને વધુ પૂછતા તમને એનું કારણ મળશે કે સરકારી નોકરી મેળવવા પાછળ એનું ધ્યેય બસ એટલું જ છે કે સરકારી નોકરીમાં કોઈ જોખમ લેવાનું આવતું નથી, એકવાર જો તમને સરકારી નોકરી મળી ગઈ એટલે જીવન વ્યવસ્થિત થઈ જાય. મોટાભાગના યુવાનોની આ જ ઈચ્છા હોય છે અને તેમને સરકારી નોકરી મેળવવાની અભિલાષા હોય છે.
હું એમ કહેતો નથી કે સરકારી નોકરીઓ ની પાછળ મહેનત કરવી એ ખરાબ છે પરંતુ હું એ વાત પર પ્રકાશ ફેંકવા માંગુ છું કે આ બધાથી અલગ આપણામાં ટેલેન્ટ એટલે કે આવડત નામની પણ એક વસ્તુ છે જે આપણને દુનિયામાં એક આદર્શ ભર્યું નામ મેળવવામાં મદદ કરે છે.તો પછી આપણે આ ટેલેન્ટને શા માટે આગળ આવવા દેતા નથી આપણે શા માટે આજે બીજા લોકો જે કરે છે એની પાછળ આંધળા થઈને દોડીએ છીએ? મિત્રો આ વાત ઉપર વિચાર કરવો આવશ્યક બને છે કે આપણે શું શું વિચારીએ છીએ હું પણ એક યુવાન જ છું અને હું પણ અત્યારના સમયમાં આ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સરકારી નોકરીઓની તૈયારીઓ કરી રહ્યો છું ત્યારે મને આ પ્રશ્ન થાય છે કે આજુબાજુ હું જોઉં છું ત્યારે મને પણ આ વિચાર આવેલો કે હું પણ સરકારી નોકરી મેળવવી તો કેવું લાગે. આ મમ્મી-પપ્પાની પણ આ જ હોય કે આપણો દીકરો સરકારી નોકરી મેળવે. પરંતુ હું ચોક્કસ કહીશ કે મારે પણ એક આવડત છે એ આવડત એટલે કે મારી આવા લેખો લખવાની અને આવા વિષયો પર ચર્ચા કરવાની મને ખૂબ મજા આવે છે.ત્યારે હું પણ જોઉં છું કે ઘણા બધા યુવાનો છે જેનામાં ખરેખર ખૂબ સારી આવડત હોય છે પરંતુ તેઓ પોતાનું લક્ષ્ય છે એ બીજી દિશામાં જ વાળી લે છે. ત્યારે મિત્રો આપણા જેવો યુવાનો અત્યારે શું વિચારે છે શું કાર્ય કરે છે અને આવનારી પેઢી જે આપણને જોઈને કંઈક રીતે આપણા કાર્યોને અનુસરશે. ત્યારે આપણે પણ એવા કાર્યો કરીએ કે ભવિષ્યમાં આપણાથી નાના એટલે કે આપણા બાળકો અથવા તો કે આ સમાજને એક નવી દિશા મળે. અને હા સરકારી નોકરી મેળવવી એ કંઈ જ ખરાબ નથી અને તૈયારી કરવી પણ એ બહુ સારી વાત કહેવાય છે કેમકે આ તૈયારી કરતા કરતા આપણે આપણા દેશ , આપણા સમાજ અને આપણા બંધારણ થી જાગૃત થઈએ છીએ.