રિઝલ્ટ એટલે પરિણામ. હવે આ શબ્દ સાંભળીને કે વાંચવાથી ઉત્સાહ આવતો નથી. એક સમય હતો કે જયારે આ શબ્દ કાને પડતા જ અનેરો ઉત્સાહ , આનંદ અને તાલાવેલીના ફુંવારા શરીરમાંથી છૂટવા લાગતાં.
આપણા સૌનો ભૂતકાળ ભવ્ય અને અદભૂત જોવા મળે છે. શાળાઓના એ દિવસોની મજામાં આ 'રિઝલ્ટ' શબ્દ કંઈક અલગ રીતે જ ઊભરી આવે છે. આજે પણ શાળાના એ બે દિવસ : સત્રાંત પરીક્ષાનું પરિણામ અને વાર્ષિક પરીક્ષાનું પરિણામ. આ બે દિવસ જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ શરીરમાં થતો થનગનાટ , તાલવેલી અને એક અનેરી હરીફાઈનો આનંદ આજે પણ વર્તમાનને ખુશીથી ભરી દે છે.
આ ભવ્ય ભૂતકાળ આજે શાળામાં એક શિક્ષકની ભૂમિકામાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપતાં યાદ આવી ગયો. આજે તો વિદ્યાર્થીઓને ઈનામ અને મેડલો અપાય છે. આ ઉપરાંત મમ્મી-પપ્પા પાસે અગાઉથી નક્કી કરેલી વસ્તુઓ તો ખરી જ. આ ઈનામો જોઈને એક વિદ્યાર્થી તરીકે મારા મનમાં નિખાલસપણે ઈર્ષ્યા થઈ. કારણકે આ ઈનામો મારા વખતે શાળામાં કોઈ દિવસ આવ્યા જ નહિ. ઈનામપ્રથા જ શાળામાં નહોતી. પરંતુ તમે છતાં દર વખતે પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવા તીવ્ર હરીફાઈ થતી. પરીક્ષા સમયે IMP પ્રશ્નો કોઈને ન કહેવા , કોઈ પૂછે કે તારે કેટલું વંચાણું? તો તેના જવાબમાં "મેં તો સાવ વાંચ્યું જ નથી , હવે જે થાય ઈ ખાલી પાસ થઈ જાય તો પણ સારૂં" એમ કહીને પછી રિઝલ્ટના દિવસે એ અદભૂત તાકાતવારો સોનેરી સંખ્યાવાળો નંબર પ્રાપ્ત કરવાની એ ખુશી બીજી બધી વસ્તુઓની તોલે ન આવી શકે. ત્યારબાદ ધીમે ધીમે દર વર્ષે એ નંબર પ્રાપ્ત કરવો તે ભૂલાય એમ નથી અને હા પાછી હરીફાઈ તો વધતી જ જાય. ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં આવેલો પાઠ "સોનાનાં વૃક્ષો" ખરેખર તો શાળાના એ સોનેરી દિવસો સમાન હતા.
કોલેજમાં આવ્યા બાદ આ રિઝલ્ટ શબ્દ સાંભળીને એવો જ આનંદ નથી મળતો , કારણકે આ રિઝલ્ટ ક્યારે આવશે એ નક્કી નથી હોતું. પરીક્ષા દેતી વખતે પણ જાણે આખા સેમેસ્ટર દરમિયાન ભણ્યા વિનાના કોરા દિવસો ગયા હોય એમ એ દિવસો પાના ભરી ભરીને પૂરો કરવાનાં પ્રયત્નો કરતાં હોય છીએ. પરંતુ હવે ફકત બે દિવસો જ રિઝલ્ટ માટેનાં નથી હોતાં , હવે તો એક એક દિવસ રિઝલ્ટની માફક હોય છે. આજે કરેલ કાર્યનું આવતીકાલે રિઝલ્ટ મળે છે. દરરોજ જીવનમાં પરીક્ષાઓ આવે છે અને એના રિઝલ્ટ જીવન જેમ જેમ ચાલે છે તેમ તેમ મળતાં જાય છે. હા.. એ રિઝલ્ટની તારીખો શાળાના રિઝલ્ટની માફક પહેલથી જ ખબર હોતી નથી.
ત્યારે જીવનનું રિઝલ્ટ જેવું આવે તે સારૂં જ આવે છે પણ આ રિઝલ્ટનો દિવસ આજે મારા માટે શાળાનાં એ સોનેરી દિવસોની યાદ લઈને એક અદ્રશ્યરૂપી કાગળમાં એ દિવસોનું રિઝલ્ટ દ્રશ્યરૂપી મોજ-મસ્તી , મિત્રોની યાદો અને શિક્ષકોની શુભેચ્છાઓ લઈને છપાઈ ગયું છે. ત્યારે આજે પણ ફરી વખત એ જ સોનેરી સંખ્યાવાળો નંબર પ્રાપ્ત થયો હોય એવું ચિત્ર મારા મનમાં ઊભું થાય છે.
~ _પ્રદિપ 'શોખીન'_